Monday, 28 February 2011

માધવ ક્યાંય નથી મધુવનમાં

 માધવ ક્યાંય નથી મધુવનમાં
ફૂલ કહે ભમરાને
ભમરો વાત વહે ગુંજનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં

કાલિન્દીના  જલ  પર  ઝૂકી પૂછે કદંબડાળી
યાદ તને બેસી અહીં વેણુ વાતા'તા વનમાળી

લહર વમળને કહે
વમળ એ વાત સ્મરે સ્પંદનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં

કોઈ ન માગે દાણ કોઈની આણ ન વાટે ફરતી
હવે કોઈ લજ્જાથી હસતાં રાવ કદી ક્યાં કરતી

નંદ કહે જશુમતીને
માતા વ્હાલ ઝરે લોચનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં

શિર પર ગોરસ મટુકી
મારી વાટ ન કેમે ખૂટી
અબ લગ કંકર એક ન લાગ્યો
ગયાં ભાગ્ય મુજ ફૂટી

કાજળ કહે આંખોને
આંખો વાત વહે અંશુવનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં

- હરીન્દ્ર દવે

વૈષ્ણવજન તો તેને રે કહીયે


વૈષ્ણવજન તો તેને  રે કહીયે  જે પીડ પરાઈ જાણે રે
પરદુઃખે ઉપકાર કરે તોયે  મન અભિમાન ન આણે રે

સકળ  લોકમાં  સહુને  વંદે   નિંદા    કરે  કેની  રે
વાચ કાછ મન નિશ્ચલ રાખે  ધન ધન જનની તેની રે

સમદ્રષ્ટિને   તૃષ્ણા   ત્યાગી   પરસ્ત્રી  જેને    માત રે
જિહ્વા થકી અસત્ય ન બોલે  પરધન નવ ઝાલે હાથ રે

મોહ માયા વ્યાપે નહિ જેને દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામનામશું તાળી રે વાગી સકળ તિરથ તેના તનમાં રે

વણલોભી  ને  કપટ રહિત  છે  કામ ક્રોધ નિવાર્યા રે
ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ ઈકોતેર તાર્યા રે

          -નરસિંહ મહેતા

પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર


પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર
ધન દોલત ને માલ-ખજાના, પુત્ર અને પરિવાર
તે તો તજીને તું જઇશ એકલો, ખાઇશ જમનો માર રે
પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર

ઊંચી મેડી ને અજબ ઝરૂખા, ગોખ તણો નહીં પાર
કોટિધ્વજ ને લક્ષપતિ, એનાં બાંધ્યાં રહ્યાં ઘરબાર રે
પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર

ઉપર ફરેરાં ફરફરે ને , હેઠે શ્રીફળ ચાર
ઠીક કરીને ઠાઠડીમાં ઘાલ્યો, પછે વાંસે પડે પોકાર રે
પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર

સેજ-તળાયું વિના સૂતો નહિ, ને કરતો હુન્નર હજાર
ખોરી ખોરીને ખૂબ જલાયો, જેમ લોઢું ગાળે લુહાર રે
પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર

સ્મશાન જઇને ચેહ ખડકી, ને માથે છે કાષ્ઠનો ભાર
અગ્નિ મેલીને ઊભાં રહ્યાં, અને નિશ્ચય ઝરે અંગાર રે
પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર

સ્નાન કરીને ચાલી નીકળ્યાં, નર ને વળી નાર
ભોજો ભગત કે’ દશ દી રોઇને, પછે મેલ્યો વિસાર રે
પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર

- ભોજો ભગત


મંગલ મંદિર ખોલો


મંગલ મન્દિર ખોલો,
દયામય ! મંગલ મન્દિર ખોલો !

જીવન વન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો,
દયામય ! મંગલ મન્દિર ખોલો !

તિમિર ગયું  ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લ્યો, લ્યો,
દયામય ! મંગલ મન્દિર ખોલો !

નામ મધુર તમ રટ્યો નિરન્તર,
શિશુ સહ પ્રેમે બોલો,
દયામય ! મંગલ મન્દિર ખોલો !

દિવ્ય-તૃષાતુર  આવ્યો  બાલક,
પ્રેમ-અમીરસ ઢોળો,
દયામય ! મંગલ મન્દિર ખોલો !

- નરસિંહરાવ દિવેટિયા

એક જ દે ચિનગારી


એક જ દે ચિનગારી, મહાનલ !
એક જ દે ચિનગારી

ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી
મહાનલ... એક દે ચિનગારી...

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી
મહાનલ... એક દે ચિનગારી...

ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી
મહાનલ... એક દે ચિનગારી...
- હરિહર ભટ્ટ

બોલ મા, બોલ મા

  બોલ મા, બોલ મા, બોલ મા રે
રાધા કૃષ્ણ વિના બીજું બોલ મા રે

સાકર શેરડીનો સ્વાદ તજીને
કડવો તે લીમડો ઘોળ મા રે
રાધા કૃષ્ણ વિના બીજું બોલ મા રે

ચાંદા સૂરજનું તેજ તજીને
આગીયા સંગ પ્રીત જોડ મા રે
રાધા કૃષ્ણ વિના બીજું બોલ મા રે

હીરા, માણેક, ઝવેર તજીને
કથીર સંગાથે મણિ તોળ મા રે
રાધા કૃષ્ણ વિના બીજું બોલ મા રે

બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર
શરીર આપ્યું સમતોલમાં રે
રાધા કૃષ્ણ વિના બીજું બોલ મા રે

બોલ મા, બોલ મા, બોલ મા રે
રાધા કૃષ્ણ વિના બીજું બોલ મા રે


-મીરાંબાઈ 

રામ તમે સીતાજીની તોલે ન આવો


 રામ... રામ... રામ
દયાના   સાગર  થઈ ને
કૃપા રે  નિધાન  થઈ ને
છોને ભગવાન કહેવડાવો

પણ  રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે
ફૂલ    ને   ચંદનથી    છો   પૂજાઓ

પણ  રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

કાચા   રે   કાનના   તમે
ક્યાંના    ભગવાન   તમે
અગ્નિ પરીક્ષા  કોની કીધી

તમારો  પડછાયો  થઈ ને
વગડો   રે   વેઠ્યો   એને
લોકોની વાતે ત્યાગી દીધી

પતિ થઈ ને પત્નીને પારખતાં ન આવડી
છો   ને   ઘટઘટના  જ્ઞાતા  થઈ ફૂલાઓ

પણ  રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

તમથીયે   પહેલા    અશોક   વનમાં
સીતાજીએ     રાવણને       હરાવ્યો
દૈત્યોના વચ્ચમાં નિરાધાર નારી તોયે
દશ  માથાવાળો   ત્યાં   ના   ફાવ્યો

મરેલાને માર્યો તેમાં કર્યું શું પરાક્રમ
અમથો   વિજયનો   લૂટ્યો   લ્હાવો

મારા રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

લવિંગ કેરી લાકડિયે


લવિંગ કેરી લાકડિયે રામે સીતાને માર્યાં જો
ફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યાં જો

રામ ! તમારે બોલડિયે હું પરઘેર બેસવા જઈશ જો
તમે જશો જો પરઘેર બેસવા, હું વાતુડિયો થઈશ જો

રામ ! તમારે બોલડિયે હું પરઘેર દળવા જઈશ જો
તમે જશો જો પરઘેર દળવા હું ઘંટુલો થઈશ જો

રામ ! તમારે બોલડિયે હું પરઘેર ખાંડવા જઈશ જો
તમે જશો જો પરઘેર ખાંડવા હું સાંબેલું થઈશ જો

રામ ! તમારે બોલડિયે હું જળમાં માછલી થઈશ જો
તમે થશો જો જળમાં માછલી હું જળમોજું થઈશ જો

રામ ! તમારે બોલડિયે હું આકાશવીજળી થઈશ જો
તમે થશો જો આકાશવીજળી હું મેહુલિયો થઈશ જો

રામ ! તમારે બોલડિયે હું બળીને ઢગલી થઈશ જો
તમે થશો જો બળીને ઢગલી હું ભભૂતિયો થઈશ જો


વહુએ વગોવ્યાં મોટા ખોરડાં


ગામમાં સાસરિયું ને ગામમાં પિયરયું રે લોલ
કહેજો દીકરી સખદખની વાત જો
કવળાં સાસરિયામાં જીવવું રે લોલ

હરખના દાડા તો માતા વહી ગયા રે લોલ
દખનાં ઉગ્યાં છે ઝીણા ઝાડ જો
કવળાં સાસરિયામાં જીવવું રે લોલ

પછવાડે ઊભેલ નણંદ સાંભળે રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

નણંદીએ જઈ સાસુને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સાસુએ જઈ સસરાને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સસરાએ જઈ જેઠને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

જેઠે જઈ પરણ્યાને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

પરણ્યે જઈને તેજી ઘોડો હાંકિયો રે લોલ
જઈ ઝૂકાડ્યો ગાંધીડાને હાટ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

અધશેર અમલ તોળાવિયાં રે લોલ
પાશેર તોળાવ્યો સોમલખાર જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સોના વાટકડે અમલ ઘોળિયાં રે લોલ
પી જાઓ ગોરાંદે નકર હું પી જાઉં જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

ઘટક દઈને ગોરાંદે પી ગયાં રે લોલ
ઘરચોળાની તાણી એણે સોડ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

આટકાટનાં લાકડાં મંગાવિયા રે લોલ
ખોખરી હાંડીમાં લીધી આગ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

પહેલો વિસામો ઘરને આંગણે રે લોલ
બીજો વિસામો ઝાંપા બહાર જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

ત્રીજો વિસામો ગાયોને ગોંદરે રે લોલ
ચોથો વિસામો સમશાન જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સોના સરીખી વહુની ચેહ બળે રે લોલ
રૂપલા સરીખી વહુની રાખ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

બાળી ઝાળીને ઘરે આવિયાં રે લોલ
હવે માડી મંદીરિયે મોકળાશ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

આ ભવનો ઓશિયાળો હું થયો રે લોલ
હવે માડી દેજો દોટાદોટ જો
આ સહુનો ઓશિયાળો હું થયો રે લોલ