Tuesday, 1 March 2011

ઝેર તો પીધાં છે જાણી જાણી


ઝેર તો પીધાં છે જાણી જાણી

ઝેર તો પીધા છે જાણી જાણી, મેવાડના રાણા
ઝેર તો પીધા છે જાણી જાણી
નથી રે પીધાં અણજાણી રે, મેવાડના રાણા

કોયલ ને કાગ રાણા, એક જ વરણાં રે
કડવી લાગે છે કાગવાણી રે, મેવાડના રાણા
ઝેર તો પીધાં છે જાણી જાણી

ઝેરના કટોરા જ્યારે રાણાજી મોકલે રે
તેનાં બનાવ્યાં દૂધ પાણી રે, મેવાડના રાણા
ઝેર તો પીધાં છે જાણી જાણી

સંતો છે માતા રાણા, સંતો છે પિતા રે
સંતોની સંગે હું લોભાણી રે, મેવાડના રાણા
ઝેર તો પીધાં છે જાણી જાણી

સાધુડાના સંગ મીરાં છોડી દો
તમને બનાવું રાજરાણી રે, મેવાડના રાણા
ઝેર તો પીધાં છે જાણી જાણી

સાધુડાનો સંગ રાણા નહિ છૂટે અમથી રે
જનમોજનમની બંધાણી રે, મેવાડના રાણા
ઝેર તો પીધાં છે જાણી જાણી

મીરાં કહે પ્રભુ ગિરધર નાગર
તમને ભજીને હું વેચાણી રે, મેવાડના રાણા
ઝેર તો પીધાં છે જાણી જાણી

- મીરાંબાઈ

No comments:

Post a Comment